IPL 2022ની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો લાગ્યો છે. ટીમના પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ ગયા છે, CSKએ નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ભૂતપૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા IPL 2022 માંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે બુધવારે સાંજે એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. રવીન્દ્ર જાડેજા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારપછી તેના રમવા અંગે શંકા રહી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે બુધવારે સાંજે જારી કરેલા તેમના નિવેદનમાં કહ્યું, ‘પાંસળીની ઈજાના કારણે રવીન્દ્ર જાડેજા દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઉપલબ્ધ નહોતો. તે હાલમાં મેડિકલ ટીમની દેખરેખમાં છે, આ આધારે તેને આઈપીએલ 2022ની બાકીની સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
📢 Official Announcement:
Jadeja will be missing the rest of the IPL due to injury. Wishing our Jaadugar a speedy recovery! @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) May 11, 2022
જાડેજાને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી
છેલ્લા બે દિવસથી રવિન્દ્ર જાડેજા વિશે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી. કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે, સાથે જ રવિન્દ્ર જાડેજા પણ કોઈને ફોલો કરતો નથી. આવી સ્થિતિમાં સતત અટકળોનો દોર ચાલી રહ્યો હતો.