રાજકોટ. લોકડાઉન 4ના બીજા દિવસે સૌરાષ્ટ્રમાં મોટાભાગે દુકાનો ખુલી ગઇ છે પરંતુ અમુક જગ્યાએ પાનની દુકાનો સોપારી, ચુનો, તમાકુ, બીડી, સિગારેટની અછતને કારણે વેપારીઓએ બંધ રાખી છે. ત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા તમાકુના હોલસેલના વેપારીને ત્યાં તમાકુ રસિયાઓએ રીતસર લાંબી લાઇન લગાવી હતી. મવડીમાં આવેલી પટેલ સન્સ નામના હોલસેલના તમાકુના વેપારીને ત્યાં લોકો તમાકુ લેવા ઉમટી પડ્યાં હતા. રાજકોટમાં મોટાભાગના પાન-માવાની દુકાનો બંધ રાખવામાં આવી છે. આ વેપારીઓ પાસે પૂરતો સ્ટોક નથી એટલે દુકાનો બંધ રાખવામાં આવી છે. માવાના ભાવ 15માંથી 20 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે. હાલ સોપારી, તમાકુ, બીડી, સિગારેટની અછત વર્તાઇ રહી છે. મોટી એજન્સીવાળાએ ખોલવાનું ટાળ્યું છે. બંધ બારણે ફોન દ્વારા ઓર્ડર લઇ યોગ્ય સમયે બોલાવી નિયમિત ગ્રાહકોને સાચવવામાં આવી રહ્યા છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા આજ સવારથી ઓડ ઇવન નંબરના સ્ટીકર રાજકોટમાં આવેલી દુકાન બહાર લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે લાઠીમાં પાનની દુકાનો બહાર લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. માવા, તમાકુ, બીડી લેવા માટે લોકોની લાંબી લાઇન લાગી છે.
આજ રાત સુધીમાં દુકાનો પર સ્ટીકર લગાવવાની કામગીરી પૂરી કરાશે
જાહેર સ્વાસ્થ્યના હિતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવશ્યકતા અનુસાર જ રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરીજનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં માટે દુકાનો એકી કે બેકી તારીખે ખુલ્લી રહે તે મુજબની વ્યવસ્થા કરવી જરૂરી જણાય છે. આ બાબતે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, ગઈકાલ તા. 19મેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની 65 હજાર દુકાનો પર એકી અને બેકી નંબર (1 અને2૨)ના સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે આજે રાત સુધીમાં પૂર્ણ કરવા ઘનિષ્ટ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહતમ દુકાનોમાં સ્ટીકર લાગવામાં આવી ચૂક્યા છે, અને બાકી રહેલ દુકાનોને પણ આજે રાત સુધીમાં આવરી લેવા કામગીરી ચાલુ છે. આવતીકાલ 21મેથી આ સ્ટીકર મુજબની વ્યવસ્થા અમલી બનશે. એક નંબરના સ્ટીકરવાળી દુકાનો એકી તારીખે અને બે નંબરના સ્ટીકરવાળી દુકાનો બેકી તારીખે ખુલ્લી રહેશે. કાલે 21 મીએ શહેરની જે દુકાનો પર એક (1) નંબરનુ સ્ટીકર લગાવાયું છે તે દુકાનો ખુલી રાખી શકાશે. જ્યારે 22મીએ જે દુકાનો પર બે (2) નંબરના સ્ટીકર લગાવેલ છે તે દુકાનો ખુલી રહેશે.
વિવિધ શાખાઓના 286 કર્મચારીઓના હુકમ કરી તેઓને જવાબદારી સુપરત કરવામાં આવી છે
દુકાનો ખુલ્લી રાખવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ એમ બંને તંત્ર નિયમોનું પાલન થાય તે જોશે. તેમજ જાહેરનામાંનો ભંગ થયાનું જણાતા કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિ. કમિશનરે વધુમાં કહ્યું હતું કે, આ કામગીરી માટે 18 વોર્ડના વોર્ડ ઓફિસર તથા વિવિધ શાખાઓના 286 કર્મચારીઓના હુકમ કરી તેઓને જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ કર્મચારીઓ અને અધિકારીઓ વોર્ડ પ્રભારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહ્યા છે.
લાઠીમાં પાનની દુકાન બહાર લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો કર્યો
અમરેલી જિલ્લામાં પાન-માવાની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આજે બીજા દિવસે લાઠીમાં સવારે પાન-માવાની દુકાનો ખુલતા લોકોએ લાંબી લાઇન લગાવી દીધી છે. મેઇન બજાર વિસ્તારમાં આવેલી દુકાનોમાં વ્યસની લોકોએ લાઇન લગાવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાન-માવાની દુકાનોમાં શરતોનો ભંગ થતો જોવા મળ્યો છે. દુકાનોમાં સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.