ત્રીજી તાળાબંધીની સમાપ્તિ વખતે વડાપ્રધાને રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં મુદ્દા ઓછા અને શબ્દો વધારે હતા. વડાપ્રધાને ભારતના પ્રાચીન વિચારવારસાનો ઉલ્લેખ કર્યો અને એકવીસમી સદીનું ભારત આત્મનિર્ભર બને તે વાત વારંવાર કહી છે. બે દસકા પછીની એકવીસમી સદી કેવી જશે અને શું થશે તે અત્યારે કોઈ જાણતું નથી. એકબીજા સાથે અનેક રીતે સંકળાયેલી દુનિયા કોરોનાના કારણે એકબીજાથી વિખૂટી પડી જશે, આર્થિક પ્રવૃત્તિઓનાં સતત ઘૂમતાં ચક્રો અટકી પડશે. વિમાનો ધૂળ ખાતાં પડી રહેશે. ટ્રેનો, બસ, વાહનવ્યવહાર અને લારીઓનો વહેવાર આટલો અટકી પડશે તેવું કોઈએ કલ્પનામાં પણ ધાર્યું નહોતું, તેથી આવતી એકવીસમી સદીનાં એંસી વર્ષની વાત આજે કરીએ તે નર્યા શબ્દોના સાથિયા પૂરવા જેવું થાય.
આજથી સો-સવાસો વર્ષ અગાઉ સ્વદેશી અને આત્મનિર્ભરતાનાં ગાણાં જોરશોરથી ગવાતાં હતાં અને ગાંધીજી જેવા વહેવાર શાણા આગેવાને પણ સ્વદેશીનું સૂત્ર ગજાવ્યું હતું. ગાંધીજીનાં અગિયાર મહાવ્રતોમાં સ્વદેશીનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.
જોકે, તે જમાનો ગયો, તે જમાનાના ખ્યાલ, તે જમાનાની જરૂરિયાત, તે જમાનાના સંજોગ અાજે નથી. ગાંધીજીએ કમ્પ્યૂટર કદી જોયું કે વાપર્યું નથી અને જોજન દૂર બેઠેલા લોકો વિડિયો કોન્ફરન્સથી ચર્ચા કરે, ભણતર ભણે, કોર્ટ કચેરીના ખટલા ચાલે તેવી કલ્પના પણ તે જમાનામાં કોઈએ કરેલી નહીં.
સ્વદેશીનું ગાંધીસૂત્ર આજના જમાનામાં બહુ અસરકારક ન ગણાય. સતત પરિવર્તનશીલ દુનિયામાં કશું જ કાયમી હોતું નથી અને કોઈ સૂત્ર, કોઈ વિચાર કે કોઈ જ નિયમ સનાતન નથી.
આખી એકવીસમી સદી કરતાં આવતા એકાદ દાયકાની વાત કરીએ તો વધારે નક્કર મુદ્દા ઉઠાવી શકાય અને સમજી કે સમજાવી પણ શકાય. 2030 સુધી ભારત આત્મનિર્ભર બને અથવા બની શકે તે લગભગ અશક્ય છે. ભારતે જીવતા રહેવા માટે અને રાષ્ટ્ર તરીકે ટકી રહેવા માટે જરૂરી સંરક્ષણનાં સાધન અમેરિકા, રશિયા કે યુરોપ પાસેથી મોંઘીદાટ કિંમતે ખરીદવાં પડે છે અને તે પણ છેલ્લી ઢબના. સૌથી વધારે કામયાબ શસ્ત્રો તો આપણને કોઈ આપે પણ નહીં.
શસ્ત્રો અને સરંજામ તો એક વિષય છે, પણ મુદ્દો એ છે કે આજના ભારતની વાત છોડીએ તો કોઈ દેશ કે કોઈ સમાજ આત્મનિર્ભર બની શકે જ નહીં. કોરોના માટેના ઔષધ (દવા) માટે અમેરિકાએ ભારત પાસે ભીખ માગવી પડેલી અને ધાકધમકી પણ કરવી પડેલી.
વડાપ્રધાન જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલા આગેવાન જે વાત કરે, તે દરેકે પૂરા ધ્યાનથી સાંભળવી જરૂરી છે, પણ સત્તા કબજે કરી લેવાથી બધી સમજણ કે બધું જ્ઞાન મળી જાય છે તેવું માની લેવાનું કારણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચન પર ટીકા કરનાર ભારતના માજી નાણાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી પી. ચિદમ્બરે વડાપ્રધાનને પોતાના અજ્ઞાન પાંજરાના બંદીવાન ગણાવ્યા હતા.
વડાપ્રધાને કરેલી વાત તેમનો પોતાનો ખ્યાલ નથી, પણ સંઘ પરિવારની વાત તેઓ વાગોળે છે તેવી ટીકાઓ પણ થઈ છે. શિસ્ત, સંગઠન અને રાષ્ટ્રભક્તિ માટે જાણીતા સંઘ પરિવારની અમુક વાતો ગળે ઉતારવી અઘરી છે. તેથી વડાપ્રધાન બીજા કોઈની બોલી બોલતા હોય તો તેમના અનુરોધનું મહત્ત્વ ઘટી જાય છે.
આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઈએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વીકાર્ય ખ્યાલ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ વર્ષ 1985માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની શતાબ્દી બેઠકમાં રજૂ કર્યો હતો અને આજે એક આખી પેઢી પૂરી થઈ ગઈ છે, પણ રાજીવ ગાંધીનું આ ઉદ્્્બોધન આજે ય એટલું જ ચોટડૂક અને એટલું જ પ્રેરણાદાયી છે.
આપણે નવા ભારતનું નિર્માણ કરીએ. પોતાની આઝાદી માટે ગૌરવ અને તેની રક્ષા માટે સમર્થ, ખેતપેદાશ તથા ઉદ્યોગોની બાબતમાં, આત્મનિર્ભર ટેક્નોલોજીની બાબતમાં પહેલી હારોળમાં નાતજાત, સંપ્રદાયના તમામ વાડાઓને વટાવી જાય, ગરીબાઈથી તથા સામાજિક અને આર્થિક અસમાનતાથી મુક્ત હોય- આવું ભારત શિસ્તબદ્ધ, સક્ષમ હોય, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોથી રક્ષિત હોય, વિશ્વશાંતિ માટે નીડરપણે લડનાર પરિબળ બને અને આખી દુનિયાને શિક્ષણ આપી શકે અને ભૌતિક સમૃદ્ધિની જોડાજોડ આંતરિક શાંતિ પ્રાપ્ત કરે.
આપણા સાંસ્કૃતિક વારસાની તાકાત અને યુવાનીની નવવસંતની ક્રિયાશીલતા સાથે આપણા આમ જનતાના અજેય વ્યક્તિત્વથી ઘડાયેલા ભારતમાં એક નવી સંસ્કૃતિનું નિર્માણ કરીએ. એ રીતે જોઈએ તો આત્મનિર્ભરતાને જરાક જુદી રીતે સમજવાની જરૂર પડે છે. ગ્લોબલ વિલેજના આજના સમયમાં દુનિયાનો દરેક દેશ એકબીજા ઉપર આધાર રાખતો થઈ ગયો છે. સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનવું કોઈ પણ દેશ માટે શક્ય નથી.
આવી મહાસિદ્ધિઓ મેળવવી હોય તો મોટો ભોગ આપવો પડશે. માત્ર આજની આ પેઢી જ નહીં, પણ આવતી અનેક પેઢીઓએ યાતના સહેવી પડશે. સંસ્કૃતિનું ઘડતર એકાદ બે પેઢીથી થતું નથી, અનેક પેઢીઓ અાવી જહેમત ઉઠાવે તો જ નવી સંસ્કૃતિ વિકાસ પામે.
વિશ્વના વિખ્યાત પ્રવચનોની હરોળમાં બેસી શકે તેવા અા પ્રવચનમાં આવતી કાલના ભારતનો જે નકશો છે તેને નકારી કાઢવાનું અશક્ય છે અને તેમાં કશું ઉમેરણ કરવાનું જરૂરી નથી.
