અમદાવાદ. ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પૂન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી 21મે (આવતી કાલથી)થી રાજ્યભરના 9 હજાર જેટલા સ્થળોએ અપાશે.
કોને લોન મળશે કોને નહીં તે બેન્ક નક્કી કરશે
આ યોજના હેઠળ કયા વ્યવસાયને લોન મળશે અને કયા ને નહીં તે સહકારી બેન્ક તેમજ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી નક્કી કરશે. આ લોન ત્રણ વર્ષ માટે છે, જેમા પહેલા 6 મહિનાનો સમય મોરેટિયમ પિરિયડ ગણાશે. આ યોજનાનો લાભ આવતી કાલથી એટલે કે 21મી મેથી 31મી ઓગસ્ટ સુધી નાના ધંધાદારીઓ તેમજ વેપારીઓ સહકારી બેન્કો, ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓને અરજી કરી શકે છે. વેપારી દ્વારા લોન માટે અરજી કર્યા બાદ બેન્કે તેને લોન મળશે કે નહીં તેનો નિર્ણય મોડામાં મોડો 31 ઓક્ટોબર સુધી લેવાનો રહેશે. લોનની અરજી કરનારને 15મી નવેમ્બર સુધીમાં તેના બેન્ક એકાઉન્ટ રકમ જમા કરવામાં આવશે તો જ સરકાર દ્વારા વ્યાજ સહાય મળશે. કોઈ ફી કે ચાર્જ લેવામાં આવશે નહીં.
31 ઓગષ્ટ સુધીમાં ફોર્મ જમા કરાવવા પડશે
આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંક્સ અને 7 હજારથી વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઝ મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે. આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને 31 ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવશે નહીં.
10 લાખ જેટલા વ્યક્તિને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન અપાશે
મુખ્યમંત્રીના સચિવે આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે, આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ 6 માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે. 3 વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેંક્સને 8 ટકા વ્યાજે લાભાર્થીને આપવા મુખ્યમંત્રીએ કરેલી અપીલનો સારો પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ ભરશે, તેવો પણ નિર્ણય કર્યો છે.
