નવી દિલ્હી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના ત્રીજા બ્રેકઅપ વિશે માહિતી આપી હતી. આજે ખેતી અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો અંગે જાહેરાતો કરવામાં આવી હતી. નાણાં મંત્રીએ કહ્યું કે ખેડૂતોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો હમેશાં હિંમતથી સામનો કર્યો છે. લોકડાઉન દરમિયાન પણ ખેડૂતો કામ કરતા રહ્યાં છે. તેમણે કહ્યું કે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.
નાણાં મંત્રીએ કહ્યું કે કૃષિમાં રોકાણને વધારવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. ખેડૂતોને પાક વેચવામાં સગવડતા રહે તે માટે ઈ-ટ્રેડિંગની સુવિધા આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોની આવક વધશે.
રાહત પેકેજનું ત્રીજું બ્રેકઅપ
1) કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર
નાણાં મંત્રીએ કહ્યું- છેલ્લા બે મહિનામાં અમે ખેડૂતો માટે ઘણાં પગલા ભર્યા છે. પીએમ કિસાન સમ્માન અંતર્ગત છેલ્લા બે મહિનામાં ખેડૂતોના ખાતામાં 18 હજાર 700 કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન 5600 લાખ દૂધ કોપરેટિવ સંસ્થાઓએ ખરીદ્યું. દૂધ ઉત્પાદકોના હાથમાં 4100 કરોડ રૂપિયાની રકમ પહોંચી.
તેમણે કહ્યું કે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. તેનાથી કોલ્ડ ચેન, પાકની કાપણી બાદની સુવિધા મળશે. તેનાથી ખેડૂતોની આવક પણ વધશે.
2) ફૂડ પ્રોસેસિંગ
માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ માટે 10 હજાર કરોડના ફન્ડની સ્કીમ છે. તે કલસ્ટર બેઝડ હશે. તેનાથી 2 લાખ ખાદ્ય પ્રસંસ્કરણ યુનિટ્સને ફાયદો થશે. લોકોને રોજગાર મળશે, આવકના સાધન વધશે.
3) ફિશરીઝ
મત્સ્ય સંપદા યોજનાની જાહેરાત બજેટ દરમિયાન કરવામાં આવી હતી. તેને લાગુ કરી રહ્યાં છે. તેનાથી 50 લાખ લોકોને રોજગાર મળશે. ભારતનું એક્સપોર્ટ વધશે. મત્સ્ય પાલન વધારવા માટે માછીમારોને હોડી અને હોડીના વીમાની સુવિધા આપવામાં આવશે.
મત્સ્ય પાલન માટે 11 હજાર કરોડ રૂપિયા અને 9 હજાર કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે આપવામાં આવશે.
4) પશુપાલન
કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે હાલ આપણે મોઢા અને પગના વિવિધ રોગોથી પીડાતા પશુઓનું રસીકરણ કરતા નથી. તેનાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવશે.
રસીકરણમાં 13 હજાર 343 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેનાથી 56 કરોડ પશુઓને બીમારીમાંથી મુક્તિ મળશે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1.5 કરોડ ગાય અને ભેસોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.
પશુપાલનના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 15 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ આપવામાં આવશે.
5) હર્બલ ખેતી
હર્બલ ખેતી માટે 4 હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. અગામી બે વર્ષમાં 10 લાખ હેકટર જમીન પર હર્બલ ખેતી થશે.
હર્બલ ખેતીથી ખેડૂતોને 5 હજાર કરોડ રૂપિયાની આવક થશે. હર્બલ પ્લાન્ટનાં માંગ વિશ્વમાં વધી રહી છે. કોવિડ-19ના સમયે આપણા હર્બલ પ્લાન્ટ ખૂબ જ કા લાગ્યા છે.
6) મધમાખી ઉછેર
2 લાખ મધમાખી પાલકો માટે 500 કરોડની યોજના છે. તેમની આવક વધશે અને લોકોનું આરોગ્ય સારું રહેશે.
7) ઓપરેશન ગ્રીન
ઓપરેશન ગ્રીન અંતર્ગત TOP એટલે કે ટામેટા, બટાકા, ડુંગળી યોજનામાં બાકીના શાકભાજીઓને પણ લાવવામાં આવી છે. TOP યોજના માટે 500 કરોડની જોગવાઈ છે.
ટ્રાન્સપોર્ટેશનમાં 50 ટકા સબસિડી આપવામાં આવશે. સંગ્રહ માટે 50 ટકા સબસિડી આપવામાં આવશે.
8) કૃષિમાં રોકાણ અને પ્રોડક્ટનું વેચાણ
કૃષિ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા અને રોકાણ વધારવા માટે 1955 જરૂરી કમોડિટી એક્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી ખેડૂતોની આવક વધવાની શકયતા છે.
ખેડૂતો તેના પાકને યોગ્ય કિંમતે વેચી શકે તેના માટે રાજ્યોની વચ્ચે આવતી ખરીદી-વેચાણ સાથે જોડાયેલી મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે. ઈ-ટ્રેડિંગની સુવિધા આપવામાં આવશે.
ખેડૂતોની પાસે સ્ટાન્ડર્ડ મિકેનિઝમ હોતી નથી. દરેક સિઝનમાં વાવણી પહેલા ખેડૂત પાકના મુલ્યનું અનુમાન લગાવી શકે તેની વ્યવસ્થા કરવામાં આવશે. તે રિટેલ વેપારીઓ, એક્સપોર્ટરની સાથે પારદર્શકતાથી કામ કરી શકે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.