સુરત. પવિત્ર રમજાન માસમના 12 રોજા પૂરા થયા છે, આ વખતે મોટાભાગના રોજેદાર લોકડાઉનના લીધે પોત પોતાના ઘરમાં છે. પરંતુ સિવિલના કોવિડ-19ના વોર્ડમાં અલગ જ કહાણી છે. રોજેદાર યુવતીઓ કે જેઓ મેડિકલ લાઇનમાં હજી શરૂઆતી તબક્કમાં છે તેઓ અને અન્ય સ્ટાફ મોત અને દર્દી વચ્ચે જાણે દિવાલ બનીને અડીખમ ઊભા રહી જાય છે. વોર્ડમાં મોટાભાગની ડોકટર મુસ્લિમ યુવતીઓ છે. બીજી તરફ ધોમધખતા તાપમાં 109ના રોજેદારો પણ કોરોનાના દર્દીઓને ઘરથી હોસ્પિટલ લઇ જઈ રહ્યા છે. પાલિકાના સરવેમાં પણ રોજેદાર મહિલા તાપમાં ગલી-ગલી ફરીને કોવિડ પેશન્ટ શોધી રહી છે. તમામ એક સૂરમાં કહે છે કે રોજામાં કુદરતી રીતે સેવાકિય કાર્યમાં મન લાગે છે. હાલ બંદગી અને માનવ સેવા એમ બે પૂણ્ય થઈ રહ્યા છે જેની ખુશી છે.
દુઆ કરીએ જલદી સ્થિતિ સુધરે
શરૂઆતમા સિવિલના જુના વોર્ડમાં એસી ન હોવાથી પીપીઇ કીટ પહેરી હોય તો ભારે ગરમી અને ડી ડાઇડ્રેશન થતું, પરંતુ હવે નવી બિલ્ડિંગમાં કોવિડ-19 આઇસીયુમાં એસી છે એટલે થોડી રાહત છે. રમજાનના રોજા પણ થઈ રહ્યા છે. દુઆ કરીએ છીએ કે લોકો જલદી સાજા થાય અને સ્થિતિ સુધરે.- તેહસીન શેઠ, ડોકટર, કોવિડ-19, આઇસીયુ
PPEથી ગરમી 4-5 ડિગ્રી વધી જાય છે
‘હા, રમજાનમાં રોજા ઉપરાંત ઇફતારી પણ કરવાની હોય છે. નમાઝનો ટાઇમ થાય તો રસ્તા પર જ નમાઝ પઢી લઉં છું. પીપીઇ કીટ પહેરીને જ કામ કરીએ છીએ, જેથી ચાર થી પાંચ ડિગ્રી તાપમાન વધી જાય છે. પરંતુ ડયૂટી છે અને રોજાની સાથે સેવા થાય છે.’- શબ્બીર બેલિમ, મેડિકલ ટેકનિશિયન, 108
લોકો સાજા થાય તો ખુશી થાય છે
‘રમજાનમાં રોજા સાથે કામ કરવામાં તકલીફ તો થાય છે પરંતુ ડયૂટી છે. ઉપરથી મને છ મહિનાનો ગર્ભ છે પરંતુ બંદગીની સાથે સેવા પણ થાય છે. પીપીઈ કીટ બાદ ગરમી વધી જાય છે અને ફિલ્ડમાં તેનો અહેસાસ વધુ થાય છે, પરંતુ લોકો સાજા થાય તો ખુશી પણ થાય છે. આયેશા શેખ, કર્મચારી, આરોગ્ય વિભાગ, રાંદેર
રમજાનમાં પુણ્ય કમાઇએ છીએ
‘રમજાનમાં બે કામ સારા થઈ રહ્યા છે એક તો પુણ્ય મળી જ રહ્યુ છે સાથે-સાથે કોરોના વાયરસથી ઝઝુમતા લોકોને સાજા કરવાનું પુણ્ય પણ મળી રહ્યુ છે. પવિત્ર રમજાન મહિનામાં રોજા સાથે કામ કરવામાં આમ તો કોઈ વાંધો આવતો નથી.- આમીરા પટેલ, ડોકટર, સિવિલ
