અમદાવાદ. ગુજરાતમાં છેલ્લા અઢીવર્ષમાં અનેક રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, જેમાં સૌથી વધુ નુકશાન કૉંગ્રેસને થયું છે, ડિસેમ્બર 2017ની વિધાનસભા ચૂંટણી બાદ આગામી ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 18 બેઠકોની પેટા ચૂંટણી થશે, જયારે બે બેઠકો પર કોર્ટ મેટર હોવાથી તે પણ અનિશ્ચિત છે,અગાઉ 2019માં 10 બેઠકોની પેટા ચૂંટણી થઈ હતી, હવે બીજા 8 કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતા વધુ 8 બેઠકોની પેટા ચૂંટણી ડિસેમ્બર સુધી યોજાશે.
2017ની ચૂંટણી પછી કોંગ્રેસે કુલ 15 ધારાસભ્યો ગુમાવ્યા
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે કુલ 15 ધારાસભ્યો ગુમાવ્યા છે. ત્રણ વર્ષમાં ભાજપના ત્રણ અને એક અપક્ષ મળીને કુલ 10 પેટાચૂંટણીઓ થઇ છે અને હવે કોંગ્રેસના ધારાસબ્યોએ અધવચ્ચે રાજીનામું આપી દેતા 6 મહિનામાં બીજી આઠ બેઠકોની પેટાચૂંટણી થવાની છે. ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઇએ તો ભાજપના ત્રણ ધારાસભ્યો- થરાદના પરબત પટેલ, ખેરાલુના ભરતસિંહ ઠાકોર અને અમરાઇવાડીના હસમુખ પટેલ સંસદ સભ્ય બની જતા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેતા ખાલી પડેલી આ ત્રણ બેઠકો પર અનુક્રમે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના અજમલજી ઠાકોર અને જગદીશ પટેલ ચૂંટાયા છે.
ઉંઝામાં આશાબેન જીત્યા તો રાધનપુરમાં અલ્પેશ ઠાકોર હાર્યા હતા
ઉંઝામાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય આશા પટેલ ફરીથી ભાજપમાંથી વિજેતા બન્યાં છે. રાધનપુરમાં બળવાખોર અલ્પેશ ઠાકોર હારી ગયા હતા અને તેમના સ્થાને કોંગ્રેસના રધુ દેસાઇ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના આ બન્ને ધારાસભ્યો ભાજપમાં જોડાઇ જતાં બેઠકો ખાલી પડી હતી.એવી જ રીતે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં બેઠક ખાલી પડી હતી પરંતુ તેઓ પેટાચૂંટણીમાં હારી ગયા હતા. આ બેઠક પર કોંગ્રેસના જશુ પટેલ ચૂંટણી જીત્યા હતા.
બે કલાકમાં કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી જસદણથી પુનઃ જીત્યા હતા
એવી જ રીતે લુણાવાડાની બેઠકના રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય હતા. આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના જીગ્નેશ સેવકનો વિજય થયો હતો. એવી જ રીતે જામનગર-ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતાં તે બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપના રાધવજી પટેલ ચૂંટાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના જવાહર ચાવડાએ રાજીનામું આપતાં તેમની માણાવદર બેઠક ખાલી પડી હતી. આ બેઠકમાં ભાજપે કેબિનેટ મંત્રી બનાવેલા જવાહર ચાવડાને ટિકીટ આપતાં તેઓ ચૂંટણી જીતી ગયા હતા. આ સાથે જવાહર ચાવડા પહેલાં ભાજપમાં જોડાઇને બે કલાકમાં કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયા પણ જસદણની પેટા ચૂંટણી જીતી ગયા હતા.
આઠ ખાલી પડેલી બેઠકો પર છ મહિનામાં પેટા ચૂંટણી થશે
ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી 10 બેઠકો પર પેટા ચૂંટણી થઇ હતી જેમાંથી કોંગ્રેસના ભાગે ત્રણ બેઠકો આવી હતી. હાલ ફરી એકવાર કૉંગ્રેસના ધારાસભ્યો ના રાજીનામાંથી આઠ બેઠકો ખાલી પડી છે જેની પેટા ચૂંટણી છ મહિનામાં કરવાની થશે. આ આઠ બેઠકોમાં અબડાસા બેઠકમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંમડીના સોમા ગાંડા પટેલ, મોરબીના બ્રિજેશ મેરજા, ધારીના જેવી કાકડિયા, ગઢડાના પ્રવિણ મારૂ, કરજણના અક્ષય પટેલ, ડાંગના મંગળ ગામીત અને કપરાડાના જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.
વિધાનસભામાં કુલ 10 બેઠકો ખાલી પડી
ગુજરાત વિધાનસભા કાર્યાલયની યાદી મુજબ દ્વારકાની પબુભા માણેકની બેઠક પર ની ચૂંટણી હાઇકોર્ટએ રદ્દ કરી છે. મોરવા હડફની ભૂપેન્દ્ર ખાંટની બેઠક રાજ્યપાલે ખોટા એસટી સર્ટિફિકેટના કારણ ખાલી કરાવી છે. તલાલાના ભગવાન બારડ બે વર્ષથી વધુ સજા થતા આ બેઠક ખાલી પડી છે પરંતુ કોર્ટનો મનાઇહુકમ મળતાં સભાસદ ચાલુ છે. છેલ્લે ધોળકાની ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક પર ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી રદ્દ કરી છે પરંતુ સુપ્રીમ કોર્ટે મનાઇહુકમ આપતાં સભાસદ ચાલુ છે. એટલે કે વિધાનસભામાં ચાર બેઠકો વિવાદાસ્પદ છે.ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ જોઇએ તો ભાજપના ધારાસભ્યોની સંખ્યા 103 છે. કોંગ્રેસના ધારાસભ્યો 65 રહી ગયા છે. બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે. એક અપક્ષ સભ્ય છે. વિધાનસભામાં કુલ 10 બેઠકો ખાલી પડી છે.
