કોરોનાવાયરસની મહામારીના કારણે દેશમાં લાગુ થયેલ lockdown ના 50 દિવસ પૂરા થવા જઈ રહ્યા છે. Lockdown નું ત્રીજુ ચરણ ત્રણ મેના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. જેની સમયમર્યાદા 17 મેના રોજ પૂરી થઈ રહી છે. તેના પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. કોરોના સંકટ વચ્ચે પીએમ અને સીએમ વચ્ચે થનારી આ પાંચમી વાતચીત થશે. જેનાથી આગળની રણનિતી નક્કી થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ત્રણ વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. વિડિયો કોન્ફરન્સ દ્વારા થનારી આ પાંચમી વાતચીત હશે. આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી, સ્વાસ્થ્ય મંત્રી સહિત અન્ય અધિકારી સામેલ થશે.
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે થનારી આ ચર્ચા પહેલા થયેલી બેઠક કરતાં અલગ છે. આ વખતે બે સેશન હશે. અગાઉ થયેલી બેઠકમાં 10 થી 11 મુખ્યમંત્રીઓ જ પોતાની વાત કહી શકતા હતા કારણ કે સમય ઓછો મળતો હતો. પરંતુ આજે આ બેઠક બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે જે પ્રથમ તબક્કામાં સાંજે 5:30 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ લગભગ 30 મીનીટનો બ્રેક થશે, જેના બાદ ફરીથી બેઠક શરૂ થશે અને જ્યાં સુધી ચર્ચા ચાલશે ત્યાં સુધી બેઠક પણ ચાલુ રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચર્ચા લગભગ છ કલાક ચાલશે જેમાં તમામ મુખ્યમંત્રીઓની વાત રજુ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વાત રાખશે.
Lockdown 4.0 કે આવશે એક્ઝિટ પ્લાન?
આજે થનારી બેઠકમાં દરેક કોઈની નજર આ વાત પર રહેશે કે 17મી મે બાદ શું થશે. શું દેશમાં lockdown 4.0 લાગુ કરવામાં આવશે કે પછી હાલના પ્લાન સાથે lockdown પૂરું કરવામાં આવશે. હજુ પણ ઘણા જિલ્લાઓને ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. શું lockdown ઝોન પ્રમાણે રહેશે. આ પ્રકારના ઘણા સવાલો છે. જેનો ઉત્તર આ બેઠક બાદ મળી શકશે.