ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર જતી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તેમ છતા ભારતની સ્થિતિ ઘણી રીતે દુનિયાનાં બાકીનાં દેશો કરતા સારી છે. એક લાખની વસ્તી પર કરોનાનાં કેસોની સંખ્યા પ્રમાણે જોવામાં આવે તો ભારતની સરેરાશ દુનિયાનાં બાકીનાં દેશો કરતા વધારી સારી છે.
એક લાખની વસ્તીએ અહીં ફક્ત 7 લોકો જ કોરોનાની ઝપેટમાં
ભારતમાં એક લાખની વસ્તી પર કોરોના સંક્રમિતોની સરેરાશ 7.1 છે. એટલે કે એક લાખની વસ્તીએ અહીં ફક્ત 7 લોકો જ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જ્યારે દુનિયાની સરેરાશ જોવામાં આવે તો એક લાખની વસ્તી પર 60 કોરોના દર્દી મળ્યા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આની જાણકારી આપી છે. મંત્રાલયે એ પણ જણાવ્યું કે ભારતમાં સરેરાશ રેટ તો સારો છે, સાથે જ કોરોનાથી ઠીક થનારા દર્દીઓનો રિકવરી રેટ પણ ઘણો સારો છે. મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે, રિકવરી રેટ 38 ટકાથી વધારે છે એટલે કે 100માં લગભગ 38 દર્દી ઠીક થઈ રહ્યા છે.
USમાં એક લાખની વસ્તી પર કોરોના દર્દીઓની સંખ્યા 494
ચીનથી નીકળેલા કોરોના વાયરસે સૌથી વધારે તબાહી અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને યૂકેમાં મચાવી છે. આ એ મોટા વિકસિત દેશો છે જેમણે કોરોના વાયરસની સામે ઘુંટણ ટેકવી દીધા છે. અમેરિકામાં સ્થિતિ હજુ પણ કાબૂમાં નથી આવી રહી. અમેરિકામાં એક લાખની વસ્તી પર કોરોના દર્દીઓની સંખ્યા 494 છે, જ્યારે રશિયામાં સંખ્યા 195 છે. યૂકેમાં 361, સ્પેન 494, ઇટાલી 372, બ્રાઝીલ 104, જર્મની 210, તુર્કી 180, ફ્રાન્સ 209 અને ઈરાનમાં 145 કેસ એક લાખની વસ્તીની સરખામણીએ સામે આવ્યા છે.
ભારતમાં ઓછા ટેસ્ટિંગથી કોરોનાનાં ઓછા કેસ?
ભારત માટે જ્યાં સરેરાશ કેસની સંખ્યા રાહત આપનારી છે, તો બીજી તરફ ઓછો ટેસ્ટિંગ રેટ આશંકાઓને જન્મ આપે છે. દુનિયાનાં ફક્ત 4 દેશ (મેક્સિકો, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને મિસ્ત્ર) એવા છે જેમણે વસ્તીની સરખામણીએ ભારતની તુલનામાં ઓછા ટેસ્ટ કર્યા છે. ભારતે પોતાની વસ્તીમાં ફક્ત 0.15 ટકા જ ટેસ્ટ કર્યા છે. જો કે હવે ધીરેધીરે ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સોમવાર (18 મે)નાં પહેલીવાર એક લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશમાં કુલ 24 લાખ ટેસ્ટ થઈ ચુક્યા છે.