શ્રીનગર. પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા(LOC)પર સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે. બુધવાર-ગુરુવારે રાજૌરી સેક્ટરમાં સીમા પારથી ફાયરિંગ થયું હતું. જેમાં સેનાના એક જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પણ ગોળીબાર કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ બુધવાર રાતે પણ રાજૌરી, પૂંછ અને કઠુઆ જિલ્લામાં એક સાથે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ગોળીબારમાં જવાન હરચરણ સિંહ શહીદ થયા હતા. આ ઉપરાંત રજોરીના નૌશેરામાં પણ પાકિસ્તાનના ગોળીબારમાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતની જવાબી કાર્યવાહીમાં રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાનની ઘણી ચેક પોસ્ટ ધ્વસ્ત થઈ ગઈ છે. આ વિસ્તારમાં આતંકીઓની છાવણી હોવાની વાત મળી રહી છે. જ્યાંથી ફાયરિંગ કરીને પાકિસ્તાન આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવાના પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું
ભારતીય સેનાએ કહવલિયન નાલી સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું છે. આ પહેલા પણ ભારતીય સેનાએ સરહદ પારના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા છે, જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.