રેડ ઝોનથી આવી કોઇ ચેપ નહીં ફેલાવે તેનું ગ્રીનઝોને ધ્યાન રાખવું પડશે
સુરત. પાલિકા કમિશનરે આરોગ્ય ખાતા, ઝોનના અને વિભાગીય વડાઓ સાથે બેઠક કરી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન માટે નિતી નક્કી કરી છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ગ્રીન ઝોનમાં કેટલાંક વિસ્તારો અમને એવા મળ્યા છે કે, જ્યાં અમે ટેસ્ટીંગ કર્યું છે પરંતુ કોઈ પોઝિટિવ કેસ મળ્યા નથી તેનેે ગ્રીન ઝોન ડિક્લેર કરાશે. જ્યાં એક પણ કેસ પોઝિટિવ નથી આવ્યો તે ગ્રીન ઝોન કહેવાશે. જ્યાં ગીચતા વધુ હશે અને કેસો મળ્યા હશે તે વિસ્તાર ઓરેન્જ ઝોન છે. રેડ ઝોન એ છે કે જ્યાં કોરોનાના કેસો વધારે પ્રમાણમાં મળ્યા છે. અહિંયા થોડા દિવસો પહેલા કરફ્યુ પણ લગાડવામાં આવ્યો હતો. ભવિષ્યમાં વધુ સંક્રમણ થઈ શકે તેવો વિસ્તાર રેડ ઝોન ગણાયો છે.
રેડ ઝોન (ક્લસ્ટર)માં છેલ્લે ક્યારે કેસ નોંધાયો છે તે તારીખથી 14 દિવસની ગણતરી કરાશે. આમાંથી નીકળવા રેડ ઝોનના લોકોએ ખુબજ ધ્યાન રાખવાનું છે. તેથી વધુ જે ઝોન ગ્રીન છે ત્યાંના લોકોએ રેડ ઝોનની વ્યક્તિ આવી સંક્રમણ નહી ફેલાવી જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.
ઝોન ચેન્જ માટે 14 દિવસની ગણતરી
જો ઓરેન્જ ઝોનમાં સતત 14 દિવસ સુધી કેસ નહી આવે તો તે ગ્રીન ઝોનમાં જશે. જો કેસ આવશે તો તે ઓરેન્જ ઝોન રેડ ઝોન થઈ શકે છે. રેડ ઝોનમાં 14 દિવસ સુધી કેસ ન આવે તો તે ઓરેન્જ ઝોન બનશે. આ ઝોનિંગ સિસ્ટમ ડાયનામિક ચેન્જ થઈ શકે છે, પરંતુ 14 દિવસ સુધી જે ઈન્ક્યુબેશન પિરિયડ વાયરસનું છે તેના હિસાબે નક્કી કરવામાં આવ્યું છે.