ઔરૈયા/લખનઉ/સાગર. લૉકડાઉન વચ્ચે પોતાના ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરોની સાથે શનિવારે ત્રણ વિવિધ અકસ્માત થયા. તેમાં 34નાં મોત થયાં અને 58 ઘાયલ થયા છે. છેલ્લા 8 દિવસોમાં 70થી વધુ પ્રવાસી મજૂરોના માર્ગ અકસ્માતમાં મોત થયાં છે. ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં શનિવારે પરોઢીયે 3.30 કલાકે ડીસીએમ ટ્રકને ચૂનાથી ભરેલા અન્ય ટ્રકે ટક્કર મારી હતી. તેમાં 24 લોકોના જીવ ગયા. સીએમઓ અર્ચના શ્રીવાસ્ત મુજબ 22 લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગંભીર ઘાયલ 15 લોકોને સૈફઇ પીજીઆઇમાં દાખલ કરાયા છે. બંને ટ્રકમાં આશરે 100 શ્રમિક સવાર હતા. આ મજૂર ઝારખંડ, બિહાર, પ.બંગાળ અને યુપીના કુશીનગરના છે. ડીસીએમ ટ્રક ગાઝિયાબાદથી 20 મજૂરોને લઇ મધ્યપ્રદેશના સાગર જઇ રહ્યો હતો. જ્યારે ચૂનો ભરેલ ટ્રોલા રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ જઇ રહ્યો હતો. ડીસીએમ ટ્રકના કેટલાક મજૂર ચા પીવા ઢાબા પર ગયા હતા ત્યારે જ ટ્રોલાએ ટક્કર મારી હતી.
કપડાંથી ભરેલો ટ્રક પલટતાં 5 લોકોના મોત
બીજો અકસ્માત આગરામાં લખનઉ એક્સપ્રસ-વે પર ઉન્ના જિલ્લાના ભવાનીખેડા પાસે થયો. જેમાં એક લોડરે ઓટોને ટક્કર મારી હતી. તેમાં હરિયાણાના બહાદુરગઢથી બિહારના દરભંગા પોતાના ઓટોમાં જઇ રહેલા અશોક ચૌધરી અને તેની પત્નીનું મોત થયું. તેનો પુત્ર કૃષ્ણા (6) બચી ગયો. જ્યારે અલીગઢના ગભાના હાઇવે પર ભરતરી ગામમાં અજાણ્યા વાહનની ટક્કરમાં મા-પુત્રનાં મોત થયાં અને અન્ય એક ઘાયલ થયો છે. ત્રીજો અકસ્માત મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં છાનબીલા નજીક સાગર-કાનપુર હાઇ-વે પર થયો. અહીં કપડાથી ભરેલો ટ્રકે પલટી ગયો, જેમાં બેઠેલા 5 મજૂરનાં મોત થયાં છે અને ત્રણ મહિલા સહિત 19 ઘાયલ થયા. આ મજૂર મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશના બસ્તી જઇ રહ્યા હતા.
માતાના મૃતદેહ પાસે બે વર્ષનો માસૂમ રડતો રહ્યો
યુપીના ડુમરિયાગંજની ગુડિયાખાનનું અવસાન થઈ ગયું. બે વર્ષનો પુત્ર તેના પાર્થિવ દેહ પાસે બેસીને વિલાપ કરતો રહ્યો. પિતા લાલુખાનનું 6 મહિના પહેલા જ મોત થયું હતું. અકસ્માતમાં તેની 5 વર્ષની બેન પણ ઘાયલ થઈ ગઈ છે.
5 માસૂમ અલગ-અલગ ઘટનામાં અનાથ થઈ ગયાં
ઔરિયામાં શનિવારે વહેલી સવારે હાઈવે પર ઊભેલી ટ્રકને ચૂનાથી ભરેલી બીજી ટ્રકે ટક્કર મારી અને તે પલટી ખાઈ ગઈ. બંનેમાં લગભગ 100 જેટલા શ્રમિકો હતા. 24ના મોત થયા. શ્રમિકો ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળના હતા.
બીજી ઘટના મધ્ય પ્રદેશના છત્તરપુરમાં સાગર-કાનપુર હાઈવે પર થઈ. કાપડથી ભરેલી ટ્રક પલટી જવાથી તેમાં સવાર 6 શ્રમિકોના મોત થયા. આ લોકો મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યાં હતા.
આગ્રામાં એક્સપ્રેસ-વે પર લોડરે ઓટોને ટક્કર મારી. ઓટોથી બિહાર જઈ રહેલા અશોક અને તેના પત્નીના મોત થયા. 6 વર્ષનો પુત્ર બચી ગયો. અલીગઢમાં એક મા-પુત્રના મોત થયા.
આગરા-મથુરા સરહદના એસએચઓ બરતરફ
ઔરૈયા અકસ્માત બાદ મુખ્યમંત્રી આદિત્યનાથે આગરા અને મથુરા બોર્ડરના એસએચઓને બરતરફ કરી દીધા. તેમણે મૃતકોના પરિવારજનોને 2-2 લાખની તેમજ ગંભીર ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવા આદેશ આપ્યા છે.
લૉકડાઉનના પ્રારંભના 45 દિવસમાં 73ના મોત થયાં હતાં
લૉકડાઉનના 52 દિવસમાં દેશભરમાં થયેલા અકસ્માતોમાં 134 શ્રમિકોના મોત થયા છે. પ્રારંભિક 45 દિવસમાં 73 શ્રમિકોના મોત થયા હતા. તેમાં ઔરંગાબાદ ટ્રેન દુર્ઘટના પણ સામેલ છે. 9 મે પછી 8 દિવસમાં ઘરે જઈ રહેલા 61 શ્રમિકો માર્યા ગયા. આ સંખ્યા વિવિધ ઘટના અને મોત અંગે પોલીસે દાખલ કરેલા કેસ પર આધારિત છે.
કોંગ્રેસે યુપી સરકાર સમક્ષ 1000 બસ દોડાવવા માંગ કરી
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આ અકસ્માત નહીં, મજૂરોની હત્યા છે. પાર્ટી તરફથી તેમણે મૃતકોના પરિવારને 1-1 લાખ આપવાની જાહેરાત કરી. જ્યારે પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગીને પત્ર લખી શ્રમિકો માટે કોંગ્રેસને નોઇડા અને ગાઝિયાબાદ બોર્ડરો પર 500-500 બસો ચલાવવા દેવાની પરવાનગી માગી છે.
મદ્રાસ-હાઈકોર્ટે કહ્યું- શ્રમિકોની દયનીય હાલત જોઈ કોઈ પણ આંસુ રોકી શકશે નહીં. આ માનવીય સંકટ છે
મદ્રાસ હાઈકોર્ટે પગપાળા જઈ રહેલા પ્રવાસી શ્રમિકોના મુદ્દે તમિલનાડુ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે પૂછ્યું છે કે શ્રમિકોની મદદ માટે કેવા પગલા ભરવામાં આવ્યા. કેટલા શ્રમિકો રસ્તામાં માર્યા ગયા? જસ્ટિસ એન. કિરુબાકરન અને આર. હેમલત્તાની બેન્ચે કહ્યું કે એક મહિનાથી પ્રવાસી શ્રમિકોની દયનીય સ્થિતિ જોઈને કોઈને પણ આંસુ અટકી શકે તેમ નથી. આ માનવીય સંકટ છે. ઘણા સમય સુધી રાહ જોયા પછી શ્રમિકો પગપાળા વતન જવા માટે મજબૂર બન્યા છે.