અમદાવાદ. કોરોનાના કહેરને કારણે રાજ્યમાં લગભગ બે મહિના જેટલું લોકડાઉન રહ્યું છે, જેની ગુજરાતના અર્થતંત્ર પર માઠી અસર પડી છે. ઉદ્યોગ-ધંધાઓ બંધ રહેતા રાજ્યની વેટ અને GSTની આવકમાં મોટો ફટકો પડ્યો છે. જેથી રાજ્યની આર્થિક સ્થિતિને લઈ એ રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. રાજ્યના અર્થતંત્ર પર કેવી અસર પડી છે તેનો જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું કે,ગુજરાત સક્ષમ અને સધ્ધર છે, કોરોના વચ્ચે પણ કોઈ તકલીફ પડશે નહીં. ગુજરાતમાં હજુ કોરોનાનો ભય છે, આ કોરોનાને તો ભગવાન જ અટકાવી શકે, બાકી આપણે તો પ્રયત્ન કરીએ. બીજા રાજ્યના શ્રમિકો વહેલામાં વહેલા પાછા આવી જશે, એમના રાજ્યમાં ક્યાં રોજગારી મળે એમ છે. ગુજરાતને પુનઃ સ્થાપિત કરતા કરતા હજુ 6 મહિના તો લાગશે. પરંતુ સંપૂર્ણ ક્યારે બેઠું થશે એની કોઈ ગેરન્ટી નથી. છેલ્લા બે મહિનાથી થયેલો ખર્ચ સરભર થતાં સમય લાગશે. ગુજરાતની અર્થતંત્ર ને પગભર થતા હજુ ઘણો સમય લાગશે.
‘આવક બંધ થઈ ગઈ છે, ખર્ચા વધારે છે, હજુ આવક ક્યારથી મળશે એ નક્કી નથી’
ગુજરાતમાંથી ગયેલા બીજા રાજ્યોના શ્રમિકો ચોક્કસ પાછા આવશે જ, કેમકે તેમના રાજ્યોમાં પણ રોજગારી હાલ મળી શકે તેમ નથી, ન કરે ભગવાનને કેસ વધી જાય તો પણ વધુ આરોગ્ય સેવાઓ ગોઠવવામાં પણ ગુજરાત સરકાર તૈયાર છે. કોરોના આખી દુનિયામાં પ્રથમ વખત જ આવેલો રોગ છે, તેના કોઈ અભ્યાસ નથી અનુમાનો જ છે. શું થશે એ તો ભગવાન જ કરી શકે પણ આપણે ક્ષમતાથી મુકાબલો કરીશું. રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ માટે આ કપરો સમય છે. આવક બંધ થઈ ગઈ છે, ખર્ચા વધારે છે, હજુ આવક ક્યારથી મળશે એ નક્કી નથી. સરકાર પર ભારે આર્થિક બોજો તો છે પણ પ્રજાના આરોગ્ય અને સુરક્ષા માટ કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. માત્ર કોરોનાની સારવાર માટે રોજનો રૂ.1 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. એક PPE કિટની કિંમત 600-700 છે. આ કિટ એકવાર કોરોના વોર્ડમાંથી જઈને બહાર આવ્યા બાદ તેને બદલી નાંખવામાં આવે છે.
‘સેવાભાવિ સંસ્થાઓ અને દાતાઓએ એક કરોડથી વધુ લોકોને જમાડ્યા’
નાયબ મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, 6 વાર કરતા 4 કરોડથી વધુ નાગરિકોને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. તેમજ અન્ય ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરી. જો કે સદનસીબે સેવાભાવિ સંસ્થાઓ અને દાતાઓએ એક કરોડથી વધુ લોકોને જમાડ્યા છે. આ બધો ખર્ચ વધ્યો છે પણ આવક બંધ છે, છતાં આવશક્ય વસ્તુઓની તંગી પડવા દીધી નથી.
‘વુહાન-સાઉથ કોરિયામાં ફરી કેસ આવવા લાગ્યા, શું થશે તે તો ભગવાન જ કહી શકે’
જ્યારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા અંગે નીતિનભાઈએ કહ્યું કે, અત્યારે તો દર્દીની સારવાર કરવાની અને વ્યવસ્થા કરવાની છે. જો કેસ વધી જાય તો બેડથી લઈ તમામ જરૂરી વસ્તુઓની વ્યવસ્થા ગોઠવવી પડે. વુહાન અને સાઉથ કોરિયામાં ફરી કેસ આવવા લાગ્યા છે. પરંતુ શું થશે તે તો ભગવાન જ કહી શકે.