હાલ ગુજરાતમાં કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉન 4.0માં થોડીક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ અમુક જગ્યાએ સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું પાલન થઈ રહ્યું નથી. ત્યારે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે લોકડાઉનમાં મળેલી છૂટછાટ અને આત્મનિર્ભર યોજના વિશે વિગતવાર વાત કરી હતી. હાલ ગુજરાતની જનતા માટે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં નીતિન પટેલે લોકડાઉન 4.0ને લઈ ગુજરાતની જનતાને ચેતવી છે.
નીતિન પટેલે જણાવ્યું કે, લોકડાઉન 4.0માં સરકારે બનાવેલી ગાઈડલાઈનના નિયમ નહીં પાળો તો આરોગ્ય અને લોકડાઉનનું જોખમ છે. જનતા નિયમોનું પાલન નહીં કરે તો ફરી લોકડાઉન કરવુ પડશે તેમ પણ જણાવ્યું છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલના આ નિવેદનથી લોકો ફરી મૂંઝવણમાં મૂકાયા છે કે શું ફરીથી લોકડાઉન આવશે? આવશે તો કેવી રીતનું આવશે? જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે.
આ સિવાય હાલ રાજ્યમાં આત્મનિર્ભર લોનનાં ફોર્મ લેવા માટે લોકો બેંકો બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે. આકરી ગરમીમાં પણ 1 લાખ રૂપિયાની લોનનાં ફોર્મ લેવા માટે લોકો તડકામાં કલાકો સુધી રહે છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આત્મનિર્ભર ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે. લોન માટે બેંકને બે જામીન આપવા પડશે. બેંકને પણ પોતાના પૈસાની ચિંતા હોય. તારણ કોઈએ નથી આપવાનું એવી જાહેરાત છે. રાજ્ય સરકાર આર્થિક સંકડામણમાં છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. અને લોકડાઉનમાં છૂટછાટ એ કેલ્ક્યુલેટિવ રિસ્ક છે હોવાનું નીતિન પટેલ કહ્યું હતું. આ ઉપરાંત ધમણ વેન્ટિલેટર વિવાદને લઈને નીતિન પટેલે કહ્યું હતું કે, ધમણ 1 વેન્ટીલેટર એ પ્રાથમિક તબક્કાનું વેન્ટીલેટર છે, એ અમે પહેલાં જ કહ્યું હતું.
લોકડાઉનના સમયમાં નાનાં દુકાનદારો અને ધંધાર્થીઓ ફરીથી બેઠાં થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં જરૂરિયાતમંદોને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વ્યાજે આપવામાં આવશે. અને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. તેવામાં આ લોન લેવા માટે લોકોએ બેંકો બહાર પડાપડી કરી મુકી હતી. પણ આ વચ્ચે જ નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે તેનાથી લોન લેવા માટે ઈચ્છુક લોકોને ધ્રાસ્કો લાગી શકે છે.