ભારતીય ક્રિકેટ ટીમ માટે ODI ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા અને ઈશાન કિશન પછી શુભમન ગિલ પાંચમો બેટ્સમેન છે.
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એવા થોડા જ ખેલાડીઓ છે જેમણે ODI ફોર્મેટમાં 200નો આંકડો પાર કર્યો છે અને હવે યુવા ટોપ-ઓર્ડર બેટ્સમેન શુભમન ગીલે આ વિશિષ્ટ ક્લબમાં જગ્યા બનાવી છે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં, ગિલ 208 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ODI ક્રિકેટ ઈતિહાસમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો.
23 વર્ષીય ગિલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રન બનાવ્યા અને વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી હોવાનો રેકોર્ડ બનાવ્યો.
ઉલ્લેખનીય છે કે ગિલ પહેલા આ રેકોર્ડ ભારતના અન્ય પ્રતિભાશાળી બેટ્સમેન ઈશાન કિશનના નામે હતો. 24 વર્ષીય કિશને ગયા વર્ષે બાંગ્લાદેશ સામેની ચિત્તાગોંગ વનડેમાં કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
ભારતના કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI દરમિયાન સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કિશને માત્ર 126 બોલમાં 200નો આંકડો પાર કર્યો અને વનડેમાં બેવડી સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બન્યો.
ગિલ સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા અને ઈશાન કિશન પછી ભારત માટે ODIમાં બેવડી સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો, તેણે 145 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. 48 ઓવરમાં 182 રન બનાવનાર ગિલે આગામી ઓવરમાં લોકી ફર્ગ્યુસન સામે સતત ત્રણ સિક્સર ફટકારીને બેવડી સદી પૂરી કરી હતી.