નવી દિલ્હી. લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે બસ દોડાવવા અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સીએમ યોગી વચ્ચે ખેંચતાણ વધી રહી છે. પ્રિયંકા ગાંધી તરફથી મંગળવારે ફરી એકવાર આગરાની બોર્ડર પર બસો લાગવાની શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા ગાંધીના અંગત સચિવ સંદીપ સિંહે મંગળવારે સવા 12 વાગ્યે યુપી અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થીને પત્ર લખીને કહ્યું કે,વધારે બસો હોવાના કારણે તેની પરમિટ લેવામાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ સાંજે પાંચ વાગ્યા સુધી તમામ બસો યૂપી બોર્ડર પર પહોંચી જશે.
પ્રિયંકાના સચિવ સંદીપ સિંહ દ્વારા લખાયેલા પત્રમાં કહેવાયું છે કે, તમારો પત્ર અમને મંગળવારે 11.5 વાગ્યે મળ્યો છે. આ સંદર્ભમાં જણાવવા માંગુ છું કે અમારી ઘણી બસો રાજસ્થાનથી આવી રહી છે અને ઘણી દિલ્હીથી આવી રહી છે. જેના માટે ફરીથી પરમિટ અપાવવાની કાર્યવાહી ચાલી રહી છે. બસોની સંખ્યા વધારે હોવાથી આમાં થોડો વધારે સમય લાગી શકે છે. આ તમામ બસો સાંજે પાંચ વાગ્યા સુધી ગાઝિયાબાદ અને નોઈડા બોર્ડર પર પહોંચી જશે. સાંજે પાંચ વાગ્યા સુધી યાત્રિઓની લિસ્ટ અને રૂટ મેપ તૈયાર રાખજો જેથી સંચાલનમાં કોઈ મુશ્કેલી ન પડી શકે.
પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પાસે 1000 બસોના પરિવહનની મંજૂરીની માંગ કરી હતી
પ્રિયંકા ગાંધીએ હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે કોંગ્રેસ પોતાની રીતે બસો દોડાવવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને 1000 બસોના પરિવહનની મંજૂરી આપવામાં આવે. પ્રિયંકાએ વધુમાં કહ્યું, મજૂરો આપણા રાષ્ટ્રનિર્માતા છે, તેમને આ રીતે ન છોડી શકાય. ઓરૈયા દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું- સરકાર શા માટે મજૂરોના ઘરે જવાની કોઈ વ્યવસ્થા નથી કરી રહી.