છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. સ્થિતિ એ છે કે એક પછી એક રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. તેના લીધે દેશમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ઝડપથી 1 લાખની સપાટી તરફ આગળ વધી રહ્યો છે. રવિવારના રોજ અંદાજે 5000 નવા કેસ સામે આવ્યા જે એક દિવસનો સૌથી મોટો રેકોર્ડ બની ગયો. તેની સાથે જ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 96000ની નજીક પહોંચી ગયો. આ જ સ્થિતિ રહી તો આજનો દિવસ ખત્મ થતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમણના કેસ 1 લાખની સપાટીએ પહોંચી જશે અને આ દિવસ દેશ કયારેય ભૂલશે નહીં.
5000થી વધુ કેસ સામે આવ્યા
રવિવારના રોજ કોરોના વાયરસના 5005 નવા કેસ સામે આવ્યા જે એક દિવસમાં સૌથી વધુ કેસ હોવાનો રેકોર્ડ છે. ત્યારબાદ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 95679 પર પહોંચી છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે, જે લોકોને ડરાવી રહ્યો છે.
છેલ્લાં કેટલાંક દિવસોનો ડેટા જોઇએ
શનિવારના રોજ કોરોના સંક્રમણના 4885 કેસ સામે આવ્યા જે એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ હતો. આની પહેલાં શુક્રવારના રોજ કોરોના વાયરસના કુલ 3787 કેસ સામે આવ્યા હતા. તેના લીધે ભારતમાં કોરોના સંક્રમણના કેસ ચીનથી પણ વધુ (84,031) થઇ ગઇ. આ છઠ્ઠો દિવસ હતો જ્યારે ભારતમાં કોરોનાના કેસ 3500થી વધુ આવ્યા. ત્યારબાદ તો વધતા જતા કેસોએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. એટલે એ કહેવું ખોટું નહીં હોય કે છેલ્લાં 8 દિવસમાં કોરોના વાયરસના કેસ 3500થી વધુ જ રહ્યા છે. જો આજે એટલે કે સોમવારના રોજ અંદાજે 4300 કોરોના કેસ સામે આવે છે તો સંક્રમણનો આંકડો 1 લાખને પાર કરી લેશે. ચોક્કસ કોઇ જ એવું નહીં ઇચ્છે કે આવું થાય પરંતુ છેલ્લાં બે દિવસના કેસને જોતા ડર તો લાગી જ રહ્યો છે.
શું છે ઝડપથી કોરોના સંક્રમણ વધવાનું કારણ?
દેશમાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટેંસિંગ બધું જ થઇ રહ્યું છે પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. તેનું એક મોટું કારણ લોકડાઉન 3.0માં આપવામાં આવેલી છૂટછાટ હોઇ શકે છે. તેના અંતર્ગત દેશમાં દુકાનો ખોલવામાં આવી, લોકોને એક ચોક્કસ સમયમાં ઘરોમાંથી નીકળવાની આઝાદી આપવામાં આવી, કારણ કે દુકાનો બંધ હોવાથી ઇકોનોમિક એક્ટિવિટીઝ થોભી ગઇ હતી, આથી લોકોના ભૂખ્યા મરવાની નોબત આવી ગઇ હતી. તો બીજીબાજુ લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂર પોતાના ઘર તરફ પલાયન થઇ રહ્યા છે જેમાંથી ઘણા બધા લોકો સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન પણ કરી રહ્યા નથી. ।