નવી દિલ્હી. વિશ્વભરમાં વુહાન શહેરમાંથી કોરોનાવાયરસ ફેલાવવાને લીધે અત્યારે ચીન અમેરિકા સહિત ઘણા દેશોના નિશાનપર છે. હવે 8 દેશોના વરિષ્ઠ સાંસદોએ તેને ઘેરવા માટે શુક્રવારે એક ગઠબંધનની જાહેરાત કરી છે. આ નેતાઓનું કહેવું છે કે ચીન માનવાધિકારો, ગ્લોબલ ટ્રેડ અને સુરક્ષા માટે ખતરો બનતું જાય છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે આ ગઠબંધને જાહેરાત કરી છે કે તેમનો ઉદ્દેશ્ય ચીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર એક થઇને સક્રિય રણનીતિ તૈયાર કરવાનો છે.
આ ગઠબંધનમાં અમેરિકાના રિપબ્લિકન સેનેટર માર્કો રૂબિયો અને ડેમોક્રેટ બોબ મેનેન્ડેઝ, જાપાનના પૂર્વ વિદેશમંત્રી જેન નાકાતાની, યુરોપીય સંસદમાં વિદેશના મામલાઓની કમિટીના મેમ્બર મિરયમ લેક્સમેન અને બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ઇયાન ડંકન સ્મિથ સામેલ છે. તે સિવાય જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વીડન અને નોર્વેના નેતા પણ ગઠબંધન સાથે છે.
ચીન દાદાગીરીનુ વલણ અપનાવે છે
જે દેશના સાંસદોએ ગઠબંધન બનાવ્યું તેમાંથી ઘણા દેશોને ચીનની મહત્વકાંક્ષાઓના લીધે રાજકીય અને આર્થિક પરિણામ ભોગવવા પડ્યા છે.
કેનેડામાં ચીનની હુવેઇ ટેક્નોલોજી કંપનીના એક એક્ઝીક્યૂટીવની ધરપકડ થઇ ત્યારે ચીને કેનેડાના 2 નાગરિકોને કોઇ પણ પ્રકારની ટ્રાયલ વિના કસ્ટડીમાં લઇ લીધા હતા.
નોર્વે અને ચીનના વેપારી સંબંધો 6 વર્ષથી કથડેલા છે. નોર્વેએ ચીનની સરકારની ટીકા કરનારને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા તો ચીને ધીમે ધીમે નોર્વે સાથે વેપાર ઓછો કરી નાખ્યો.
ઓસ્ટ્રેલિયાએ જ્યારે કોવિડ-19 મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવ્યું તો ચીને ઓસ્ટ્રેલિયા પર નવા ટેરિફ લગાવ્યા હતા. અમુક પ્રકારના માંસની આયાત પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો.
