અમદાવાદ. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કાબુમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે, તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર્યશૈલી પણ કેટલાક દિવસથી બદલાયેલી લાગે છે. મુખ્યમંત્રી તરીકે રાજ્યના વહીવટીતંત્ર સાથે વીસી દ્વારા સતત સંપર્કમાં રહેવાને બદલે હવે રૂપાણી ભાજપના સંગઠનમાં વધુ વ્યસ્ત બન્યા છે. કોરોના વોરીઅર્સના બદલે હવે તેઓ હોટસ્પોટ અમદાવાદના અલગ અલગ વિસ્તારના ભાજપના ધારાસભ્યો, સંગઠનના આગેવાનો અને કાર્યકરો સાથે વિડિયો કૉંન્ફરન્સથી ચર્ચા કરી રહ્યા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એકાએક કોરોના મામલે સક્રિય થઈ ગયા છે. એવું પણ મનાય છે કે, કોરોના લોકડાઉન અને તેમાં બદલાતી નીતિઓ મામલે હવે ખુદ ભાજપના કાર્યકરો અને સંગઠનોમાં રોષ ભભૂકી રહ્યો છે જેને કારણે રૂપાણીની કામગીરી ઉપરથી બદલાઈ હોય તેમ લાગે છે.
વાઈરલ ક્લિપમાં રૂપાલા બોલ્યા, બધું IAS જ સંભાળે છે, આપણામાં ક્યાં અક્કલ છે
હજી થોડાક દિવસ અગાઉ જ રાજ્યકક્ષાના કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાના નામની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. અમરેલીના ખાંભાના ભાજપના એક આગેવાન મોહન વરિયા સાથેની વાતચીતમાં રૂપાલાને કથિત રીતે એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, આમેય બધું IAS અધિકારીઓ જ સંભાળે છે. આખું રાજ્ય તેમના હવાલે છે અને તેમના લાગે છે કે આપણામાં ક્યાં અક્કલ જ છે. પરંતુ હકીકતમાં જ તેમનામાં કોઈ અક્કલ નથી અને લોકો હેરાન થાય છે. આમ, પ્રજાને અત્યારે પારાવાર હાલાકી પડી રહી છે અને તે પણ નિવારી શકાય એવી.. આવું ખુદ ભાજપના જ અગ્રણી નેતાઓ માને છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ભાજપના એક અગ્રણીએ વિડિયો ક્લિપ વાઈરલ કરીને અધિકારીઓના નિર્ણયથી જનતાને થતી હાલાકીની ઉગ્ર ટીકા કરી હતી.
કે.કે.-એમ.કે.-આર.કે.-પી.કે. સક્રિય થયા ત્યારથી રૂપાણી સાઈલન્ટ થઈ ગયા
ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા માટે કેન્દ્રની સૂચના અનુસાર હોટસ્પોટ અમદાવાદમાં નવા કમિશનર તરીકે મુકેશ કુમારને (એમ.કે.) મૂક્યા. આની સાથે જ સરકારના ઉચ્ચ અધિકારીઓ કે કૈલાસનાથન(કે.કે.) અને મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજીવકુમાર ગુપ્તા (આર.કે.), પંકજ કુમાર (પી.કે.) સહિતનાએ સંપૂર્ણ હવાલો સંભાળ્યો છે. તેમણે અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા નવી ફોર્મ્યુલા સાથે કામગીરી શરૂ કરી છે. જ્યારે બીજીબાજુ મુખ્યમંત્રી રૂપાણી કે જેઓ અગાઉ કોરોનાના વોરિયર્સથી માંડીને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ સાથે રોજે રોજ વીસીથી વાત કરતા હતા તે પણ એકાએક બંધ કરી દીધું છે. ઊલટાનું છેલ્લા કેટલાક દિવસથી તેઓ અમદાવાદના મણિનગર, વટવા, એલિસબ્રિજ, ઘાટલોડિયા, અસારવા સહિતના વિસ્તારના ભાજપના ધારાસભ્યો અને આગેવાનો, કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ એકાએક સક્રિય થઈને મીડિયા સમક્ષ સરકારના નિર્ણયો અને કોરોનાની કામગીરીની ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે.
સંગઠનમાં ભભૂકતા રોષને કારણે રૂપાણીને હવે બીજી દિશા તરફ વાળ્યા?
ભાજપના નેતાઓ અને કાર્યકરોની નિરાશા અને રોષ હવે રોજબરોજ સપાટી પર આવી રહ્યો છે. આ કારણે મુખ્યમંત્રી રૂપાણીને સંગઠન તરફ વાળ્યા હોય તેવું જણાય છે. ગઈકાલે પણ તેમણે અસારવા વિસ્તારની 100થી વધુ સોસાયટીના ચેરમેન,પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે કોરોનાના સંક્ર્મણ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. તદુપરાંત તેમણે ખાડિયાના અગ્રણીઓ ઉપરાંત અને મધ્યઝોન વિસ્તારની સોસાયટીના ચેરમેન, પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે કોરોનાના સંક્ર્મણ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. જ્યારે આજે રૂપાણીએ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક મિત્રો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.
આવી મસાલેદાર ન્યૂઝ વાંચવા માટે અત્યારેજ અમારા પેજ ને ફોલ્લોવ કરો.
https://www.facebook.com/indiarealnews03