ગુજરાત માં આજે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. બોર્ડની પરિક્ષાના 3 દિવસ પૂર્વે પિતાનું મૃત્યુ થયા બાદ મક્કમ મન રાખીને પરીક્ષા આપનાર મહેનતકશ પરિવારની દીકરીએ ધોરણ-10માં 94.95 પર્સેન્ટાઈલ મેળવીને શિક્ષણનો પ્રથમ તબક્કો પૂરો કર્યો છે.
પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી દીકરી પિતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે તેમ નથી
વડોદરાના કિશનવાડી ખોડીયારચોકમાં રહેતી મિતાલી દરજીએ જણાવ્યું હતું કે, હું દંતેશ્વર ખાતે આવેલી બરોડા હાઇસ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છે. મે ધોરણ-10ની પરીક્ષામાં 94.95 પર્સેન્ટાઈલ સાથે પાસ થઇ ગઇ છું. પરંતુ, આજે મારા પપ્પા જીવતા હોત તો મારી ખુશી બમણી હોત. બોર્ડની પરીક્ષાના પ્રારંભના ત્રણ દિવસ પૂર્વે બનેલી અકસ્માતની ઘટનામાં પિતાનું મૃત્યુ થયું હતું. પિતાના અવસાન બાદ અમે પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. વાંચવાનું પણ મન થતું ન હતું. હાથમાં ચોપડી લઉં, પણ મન લાગતું ન હતું. મમ્મી સતત રડ્યા કરતી હતી. તેને જોઇને હું પણ મારા આંસુ રોકી શકતી ન હતી. એક તબક્કે પરીક્ષા ન આપવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ, પિતાની મને ડોક્ટર બનાવવાની ઇચ્છા હોવાથી મન મક્કમ કરીને પરીક્ષા આપી હતી. જોકે, પિતાની ડોક્ટર બનાવવાની ઇચ્છા તો પૂરી કરી શકું તેમ નથી.