બાંગ્લાદેશના ડોક્ટરોની એક ટીમે કોવિડ-19ની દવા બનાવવાનો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે, ટીમે બે ડ્રગને મિક્સ કરીને એન્ટિડોટ તૈયાર કર્યો છે, જેની અસર દર્દીઓ પર ચોંકાવનારી છે. સંશોધકો અને બાંગ્લાદેશ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. મોહમ્મદ તારિક આલમ કહે છે કે, અમે કોરોનાના 60 દર્દીઓ પર દવાનો ઉપયોગ કર્યો છે અને પરિણામ હકારાત્મક આવ્યાં છે. દર્દીઓને બે દવાની સાથે એન્ટિડોટ આપવામાં આવ્યો તો તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા.
આઈવરમેક્ટિન અને ડોક્સીસાયક્લિનું કોમ્બિનેશન તૈયાર કરવામાં આવ્યું
પ્રો. તારિક બાંગ્લાદેશના જાણીતા નિષ્ણાત છે. તેમનું કહેવું છે કે, પ્રાણીઓમાં પરોપજીવી-જંતુનાશક દવા આઈવરમેક્ટિનના સિંગલ ડોઝની સાથે એન્ટિબાયોટિક ડોક્સીસાયક્લિનના કોમ્બિનેશનથી એન્ટિડોટ તૈયાર કરવામાં આવ્યો. મારી ટીમ કોરોનાના દર્દીઓને આ બંને ડ્રગ આપી રહી છે. મોટાભાગના એવા દર્દી હતા જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દાવો, દવા આપ્યા બાદ 4 દિવસમાં સાજા થયા દર્દી
મોહમ્મદ તારીકનો દાવો છે કે, દવા અસરકારક છે. તેને આપવાથી 4 દિવસ બાદ કોરોના પીડિત સાજા થઈ જાય છે અને તેની કોઈ સાઈડઈફેક્ટ દર્દીઓમાં જોવા નથી મળી. બાંગ્લાદેશમાં કોરોનાવાઈરસના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. સંક્રમણથી 238 લોકોનાં મોત થયાં છે.
રિસર્ચને આંતરરાષ્ટ્રીય જર્નલમાં મોકલવામાં આવી રહ્યું છે
મોહમ્મદ તારીકના જણાવ્યા પ્રમાણે, અમને આશા છે કે આ કોમ્બિનેશન અસરકારક સાબિત થશે. અમે સરકાર સાથે સંપર્ક કરીને આ સારવારને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે ઉપરાંત રિસર્ચના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
3 દિવસમાં 50 લક્ષણોમાં ઘટાડો થયો
બાંગ્લાદેશ મેડિકલ કોલેજ હોસ્પિટલના ડો. રબીઉલ મોર્શીદના જણાવ્યા પ્રમાણે, દવા આપ્યા બાદ 3 દિવસમાં કોરોના દર્દીઓના લક્ષણોમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને 4 દિવસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
HIV અને ઈન્ફ્લુએન્ઝા વાઈરસ પર પણ અસરકારક છે
આ વર્ષે 3 એપ્રિલે એન્ટિવાઈરલ જર્નલમાં આવું જ એક રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં એન્ટિ પેરાસિટિક ડ્રગ આઈવરમેક્ટિનથી કોરોનાની સારવારની વાત કરવામાં આવી હતી. રિસર્ચના અનુસાર, આઈવરમેક્ટિન આપ્યા બાદ કોષો પર વાઈરસને 48 કલાકમાં 5 હજારમા ભાગ સુધી ઘટાડી શકાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ દવાની અસર HIV(હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઈરસ), ડેન્ગ્યુ, ઈન્ફ્લુએન્ઝા અને ઝિકા વાઈરસ પર પણ થાય છે.