સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માંનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યાર બાદ ફેનીલે પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.ત્યારે આગામી 5મીના રોજ શું સજા ફેનિલને મળશે તેના પર સૌ કોઈની નજર હતી.
આરોપી ફેનિલ ગોયાણીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું હતું. સતત 4 કલાક ચાલેલી પ્રોસેસમાં ફેનિલને 908 સવાલ કરાયા હતા. જેમાં 355 પાનાનું સ્ટેટમેન્ટ તૈયાર થયું હતું. ફેનિલે જવાબમાં ગુનો કબૂલ્યો નહતો અને પોતાનો જવાબ દલીલમાં આપશે એમ જણાવ્યું હતું. ટ્રાયલ દરમિયાન જે મુદ્દાઓ સામે આવ્યા હતા તે મામલે ફેનિલને સવાલો કરાયા હતા.
ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. ત્યારબાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે. અત્રે નોંધનીય બાબત તો એ છે કે ફેનિલ ને સંભળાવેલી સજા સાંભળીને ગ્રીષ્માંના પરિવારજનો રડી પડ્યા હતા