તેલંગાણાના જગત્યાલ જિલ્લાના કોરતલામાં લાખો રૂપિયાની નોટો ઉડીને રસ્તા પર ફેલાઈ ગઈ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કારમાંથી લાખો રૂપિયા પડ્યા. પોલીસને સ્થળ પરથી કુલ 19 લાખથી વધુની નોટો મળી આવી છે.
વાસ્તવમાં ચાર લોકોની ટોળકીએ ATM તોડ્યું હતુ. ચોરોએ રોકડની ચોરી કરી પરંતુ તમામ પૈસા રસ્તા પર ફેંકી દીધા અને ચાલ્યા ગયા કારણ કે પોલીસ તેમની પાછળ હતી. તે પૈસા લઈને ભાગ્યા કે તરત જ એલાર્મ વાગ્યો અને પોલીસની પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જેની જાણ આરોપીઓને થતાં જ તેઓએ કાર દોડાવી ત્યારે પોલીસ વાહને આ કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં આરોપીઓ તો નાસી છૂટ્યા પરંતુ પૈસાની પેટી રોડ પર પડી ગઈ. ત્યારબાદ બીજી બાજુથી આવતી એક કાર બોક્સ સાથે અથડાતાં 19 લાખ રૂપિયા રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. જે નોટોને ઉપાડતી પોલીસની ટીમ પણ જોવા મળી હતી.